Select your Language: हिन्दी
Gujarat

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મેળવી શકાય છે

આજે ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ખાતે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ તેનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનુપજાઉ અને ઝેરી બનતી જાય છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તેમણે જણાવ્યું હતુ કે ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી જેના વિકલ્પ તરીકે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે છે.
જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં થતાં ધાન્ય પાકોને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે એટલું જ નહિ જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરવાથી થતાં અનેક ફાયદાઓનું વર્ણન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેત પદ્ધતિ સ્વીકારવા અનુરોધ કરતા જણાવ્યું કે, આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોનાં કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને ભારતીય દેશી ગૌવંશની કાંકરેજ અને ગીર ગાયના છાણ તેમજ ગૌમૂત્રના ઉપયોગની સમજ તેમજ પાંચ દિવસમાં જીવામૃત અને ઘન જીવામૃત ખાતર તૈયાર કરવાની પદ્ધતિ પણ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક ખેતી થકી આર્થિક રીતે સદ્ધર બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાનાં સપનાંને સાકાર કરી શકાશે તેવું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીને ઝેરી રસાયણ યુક્ત જમીન આપવી છે કે ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ને વેગ મળે અને ખેડૂતો પ્રકૃતિના સંવર્ધન ની સાથે પોતાની આવક બમણી કરી શકે તે હેતુસર પ્રાકૃતિક ખેતી ને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે અન્વયે આજરોજ ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામે શુભમ એગ્રીકલ્ચર, ગુણાતીતપુર સહકારી મંડળી અને ગ્રામ વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષયક કાર્યક્રમનું ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પહેલા માનનિય રાજ્યપાલશ્રીએ સ્થાનિક પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતા શેઠિયા ફાર્મની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે જીવામૃત બનાવવાની પદ્ધતિ વગેરેનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે વાર્તાલાપ કરી માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપરાંત ખેતરમાં થયેલ પાકનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અમૃતભાઈ પટેલે કર્યું હતું તો પ્રાસંગિક પ્રવચન હિતેશભાઈ વોરાએ આપ્યું હતું અને આભાર વિધિ પ્રવીણભાઈ પટેલે કરી હતી.
આ પ્રસંગે નિયામકશ્રી આત્મા-ગાંધીનગર શ્રી ડી.બી બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલિસ અધિક્ષકશ્રી મયુર પાટિલ, સંયોજકશ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન ગુજરાત રાજ્યશ્રી પ્રફુલભાઇ સેંજળીયા, તેમજ ખેડુત અગ્રણીશ્રી વિઠ્ઠલભાઈ શેઠિયા અને આજુબાજુના ખેડુતો તેમજ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button