Select your Language: हिन्दी
Gujarat

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ લખપત થી કેવડીયા સુધીની બાઈક રેલી દ્વારા ફરી તાજો થશે -બોર્ડર રેન્જ આઇજી શ્રી જે .આર. મોથલિયા

આજે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ ની ગુજરાત પોલીસ પશ્ચિમ કચ્છ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન પશ્ચિમ કચ્છ લખપત ખાતેથી વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે કરાવ્યું હતું. ગુજરાત પોલીસ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા યોજાયેલી આ રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન કરાવતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાંબેન આચાર્યે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ૫૬૨ રજવાડાઓ નું એકત્રિકરણ કરનારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અકલ્પ્ય કોઠાસૂઝને અમર કરી દીધી છે. વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા ૧૮૨ ફૂટની સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખેડૂતોના ઓજારો દ્વારા નિર્માણ કરીને તેમના રાષ્ટ્રીય હિતના અને ખેડૂતોના કરેલા જનઆંદોલન ને જીવંત કર્યા છે. ૧૩૫ મેટ્રિક ટન લોખંડ એકત્રિત કરીને તેમાથી ૧૦૯ મેટ્રિક ટન લોખંડ વાપરી ખેડૂતોના ઓજારો માંથી લોહપુરુષની પ્રતિમા બનાવી સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મ જયંતી નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રારંભ કરાયેલી આ બાઇક રેલી સરદાર પટેલને સ્મરણાંજલિ છે. સરદાર સરોવર ડેમ ખાતેથી કચ્છ ને મળતું પીવાનું પાણી અને તેના માટે નિર્માણ થયેલી માળખાકીય સુવિધાઓના પગલે અંતરિયાળ ગામો સુધી આપણે મા નર્મદાના પાણી મેળવી શકીએ છીએ.
અધ્યક્ષાશ્રી એ આ તકે પોલીસ અને જવાનો માટે તેમની ફરજ અને સેવાઓને બિરદાવ્યા હતા॰
બોર્ડર રેન્જ આઇજી જે.આર મોથલિયાએ એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ હેઠળ સમગ્ર દેશમાંથી કાશ્મીર માથી ઊરી , ત્રિપુરા, કન્યાકુમારી અને ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કચ્છ લખપત ખાતેથી રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન અહીંથી કરાવાયું છે.
આ ૨૫ બાઇક રાઈડરોની રેલી જેમાં છ મહિલાઓ છે તેઓ સ્વતંત્રતા સંગ્રામ અને સરદાર વલ્લભભાઈ સાથે સંકળાયેલા સ્થળોએથી ફરીને તારીખ ૨૬મી ઓક્ટોબરે કેવડિયા ખાતે દેશની અન્ય ત્રણ સ્થળોએથી આવેલી બાઇક રેલી સાથે ભેગા થશે અને ૩૧મી ઓક્ટોબરે કેવડિયા ખાતે ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાશે.
શ્રી મોથલિયાએ આ માર્ગના સન્માન કાર્યક્રમો તેમજ તેની સાથે સંકળાયેલા પ્રસંગોનો ઉલ્લેખ કરી કચ્છની વૈશ્વિક વિરાસતો અને આ ઐતિહાસિક પ્રસંગનું મહત્વ સમજાવીને તેનો ભાગ બનવાનું ગૌરવ જણાવ્યું હતું.
શ્રી મોથલિયાએ આ તકે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની કચ્છ સાથે સંકળાયેલી વિગતો પણ રજૂ કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, વકીલની કુનેહ અને રાજકારણીની મુત્સદીગીરીથી તેમણે ૫૬૨ રજવાડાઓનું વિલીનીકરણ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની કોઠાસૂઝથી રાષ્ટ્રહિતના લીધેલા નિર્ણયથી આજે આપણે અખંડ ભારતમાં જીવીએ છીએ. વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યોને આધારે ૧૮૨ ફૂટ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.
અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ તકે સરહદના પ્રહરીઓને તેમજ તેમના કાર્યને ધન્યવાદ અને સલામી આપતા જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ઊભી કરેલી રાષ્ટ્રીય એકતાને આપણે સૌએ વધુ મજબૂત કરવાની છે. આ તકે તેમણે વડાપ્રધાનની સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલી વાતો તેમજ કચ્છ સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પશ્ચિમ ભારત માંથી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ પશ્ચિમ કચ્છ દ્વારા ઐતિહાસિક રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનું આપણને સૌને ગૌરવ છે. લખપતથી કેવડીયા સુધી ૧૧૭૦ કિલોમીટર લાંબી રેલી આજથી પ્રારંભ થઇ ૨૬મી ઓક્ટોબર કેવડીયા પહોચશે. ત્યાં સુધી વિવિધ સ્થળોએ તેમનું સ્વાગત સન્માન કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરનાર આ ઐતિહાસિક ક્ષણ છે. ગુજરાત અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સરદાર પટેલને આદરાંજલી આપવાનો મોકો મળે છે તે આપણું સૌભાગ્ય છે. આ રેલીમાં જોડાનાર પોલીસ રાઈડરો ના મનોબળ વધારવા માટે તેમજ સરદાર પટેલ સાહેબની રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત કરવા માટે તેમણે સૌને બિરદાવ્યા હતા.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રારંભ બાઇક રેલીના કાર્યક્રમમાં આ તકે મોડેલ હાઈસ્કુલ દયાપારની વિદ્યાર્થિનીઓએ સરદાર ગીત ગાઈને તેમને બહુમાન આપ્યું હતુ.
નખત્રાણા નાયબ પોલિસ અધિક્ષકશ્રી વી.એન. યાદવે આભરવીધી કરી હતી. તો સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.
આ તકે આર્મી બ્રિગેડિયરશ્રી સુધાંશુ શર્મા, એરફોર્સ ગ્રુપ કેપ્ટન શ્રી બી. આર. ડેસા, બીએસએફ આઈ.જી. શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ, કોસ્ટગાર્ડ કમાંડરશ્રી સંદીપ સફાયા, કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ડો. મેહુલ બરાસરા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી એમ.દેસાઈ, લખપત સરપંચશ્રી રમજાનભાઈ ઈસ્માઈલભાઈ સોઢા, લખપત મામલતદારશ્રી એ. એન. સોલંકી, પી.એસ.આઈ.શ્રી એચ.એમ.ગોહિલ, પી. એસ. આઈ. શ્રી એ.એમ. ગેલોત તેમજ બીએસએફ, કોસ્ટગાર્ડના જવાનો, પોલીસ જવાનો, ,એનસીસી કેડેટ્સ અને ગ્રામજનો કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

રિપોર્ટ : સુરજ લોહાર

Related Articles

Back to top button